Ask a
Doctor
ગુજરાતી

I liked it...બરાબર યાદ છે. સુરતના એક થિયેટરમાં ‘શોલે’ ફિલ્મ જોવા માટે ભારે ધસારો રહેતો હતો. આગળથી બુકિંગ કરાવીને અમારું આખું ઘર ‘શોલે’ જોવા ગયું ત્યારે એક ઘટના બની. ઈન્ટરવલ દરમ્યાન કોઈ માણસે થિયેટરના પડદા નીચે પ્લૅટફોર્મ પર ધૂપસળી સળગાવી. એરકન્ડિશન્ડ થિયેટરમાં ખૂણેખાંચરે ધૂપસુગંધ પ્રસરી ગઈ.

ફિલ્મ જોઈને ઘરે આવતી વખતે દીકરીએ પ્રશ્ન પૂછ્યો : ‘પપ્પા ! આટલી હત્યાઓ એકસાથે જોઈને તમને રડવું ન આવ્યું ?’ મારી પાસે કોઈ જવાબ ન હતો. થોડાક સમય બાદ મેં દીકરીના પ્રશ્નના જવાબમાં એને સામો પ્રશ્ન કર્યો : ‘નરક જેવી ઝૂંપડપટ્ટીમાં સબડતી ગરીબ વસતિને જોઈને તારી આંખમાં આંસુ આવ્યાં છે ખરાં ?’ ‘શોલે’માં જે બનાવટી હત્યા જોવા મળે તેના કરતાં રસ્તાની બાજુએ ફેલાયેલી ઝૂંપડપટ્ટીમાં જીવતી માનવજાતને જોઈને મને વધારે લાગી આવે છે. ઝૂંપડપટ્ટીમાં તો ધૂપસળી સળગાવનારું પણ કોઈ નથી.’ આપણે સૌ લગભગ સંવેદનબધિર થઈ ગયાં છીએ.

સંવેદના મરી પરવારે પછી ગમે તેવી દુર્ઘટના પણ પજવતી નથી. એક માણસ દ્વારા બીજા માણસનું શોષણ થાય તે એક એવી દુર્ઘટના છે, જેમાં લોહી વહેતું દેખાતું નથી. જેમ આજનાં ઘરોમાં કન્સીલ્ડ વાયરિંગ અને કન્સીલ્ડ પાઈપલાઈન હોય છે, તેમ જીવનમાં બધું પ્રચ્છન્નપણે ભોંયભીતર ચાલતું રહે છે. શોષક ગમે તેટલો ક્રૂર હોય તોયે એને કોઈ રાક્ષસ નથી કહેતું. શું રાક્ષસ હોવા માટે રાવણ હોવાનું ફરજિયાત છે ? બાળમજૂરી દ્વારા અઢળક કમાણી કરનાર શેઠિયાને કોઈ કંસ નથી કહેતું. કન્સીલ્ડ ક્રૂરતા હવે કોઠે પડી ગઈ છે. હવે આપણને શોષણ, ગરીબી, ભ્રષ્ટાચાર અને ક્રૂરતા જોઈને ખાસ કશું થતું નથી. આ માટે આપણી સંવેદનબધિરતા જવાબદાર છે. ફિલ્મમાં કરુણ દશ્ય જોઈને રડનારી પ્રજાને દુનિયાની વાસ્તવિક ટ્રેજેડી પજવતી નથી. સમાજ બહારથી સાફસૂથરો દેખાય છે. જે કાંઈ માનસિક ગંદકી હોય તે કન્સીલ્ડ છે. ફાઈવસ્ટાર હોટલમાં જે રેસ્ટોરાં હોય છે તેમાં ખાધેલા એક પાપડના પૈસામાંથી બે ગરીબો જમી શકે તેવું અર્થશાસ્ત્ર સુખી માણસોની રહીસહી સંવેદનશીલતાને સળી કરતું રહે છે.

માણસની આંખ ધીરે ધીરે એની અસલ શક્તિ ગુમાવતી જાય છે. કેટલાંક ઘરોના બાથરૂમમાં વીજળીનો પ્રકાશ એટલો બધો હોય છે કે બાથરૂમની સ્વચ્છતા પણ આક્રમક જણાવા લાગે. ડ્રોઈંગરૂમમાં પ્રકાશના ફુવારા છૂટે ત્યારે આંખ પર આક્રમણ થતું લાગે. ગામડિયાને તારાના પ્રકાશમાં બધું દેખાય છે. ધીરે ધીરે ખબર પણ ન પડે તેમ આપણે વધારે પ્રકાશથી ટેવાતાં જઈએ છીએ. અંધારામાં અથડાઈ ન જવાય તે માટે વીજળીનો પ્રકાશ જરૂરી છે. સુખી માણસ પોતાને માટે જરૂરી હોય એના કરતાં દસગણી વધારે વીજળી વાપરે છે. એની આંખોનું તેજ આથમતું જાય છે અને ટ્યુબલાઈટનું તેજ વધતું જાય છે. ટેબલ લૅમ્પ વાંચવા માટે જરૂરી છે, પરંતુ એ માટે જરૂરી હોય તેના કરતાં ત્રણ ગણો પ્રકાશ વાપરવામાં આવે છે. આંખની શક્તિ ક્ષીણ થતી જાય ત્યારે અડધોપડધો અંધાપો કોઠે પડી જાય છે. કાન સરવા કરીને સાંભળવા જેવા અવાજો દબાઈ ગયા છે અને કાન ફાડી નાખે એવા અવાજો વધ્યા છે. આંખ મીંચી શકાય છે. કાન મીંચી શકતા નથી. મ્યુઝિક સિસ્ટમ સાથે બે લાઉડસ્પીકરો હોય છે. સંગીતમાં પ્રગટ થતું બારીક ભરતકામ પણ કાન ચૂકી ન જાય એટલી સંવેદનશીલતા ધરાવનારી મ્યુઝિક સિસ્ટમ હવે ઘણાં ઘરોમાં જોવા મળે છે. લાઉડસ્પીકરોએ આપણા કાનને લાચાર બનાવી દીધા છે. નવી પેઢી ધીમા સાદે કશુંય સાંભળવા તૈયાર નથી. ઘોંઘાટ વગર ઘણા લોકોને સોરવતું નથી. બધું જ લાઉડ હોય ત્યારે કાન દઈને સાંભળવું શું ? ઘોંઘાટ સાંભળવા માટે કાન સરવા કરવા ન પડે, ખિસકોલીને સાંભળવા માટે કરવા પડે. સંવેદનબધિરતા મૃત્યુનો જ એક પ્રકાર જણાય છે. આપણી ચેતનાનો કેટલો અંશ મરી ચૂક્યો છે તે વિચારવા જેવું છે. અડધું જીવન અને અડધું મૃત્યુ અડખેપડખે પડી રહે છે. શરીરને ખાલી ચડી જાય ત્યારે પગ જૂઠો પડી ગયેલો જણાય છે. આપણા અસ્તિત્વના એક અંશને જાણે ખાલી ચડી ગઈ છે. પરિણામે ખલેલ પામવાની આપણી શક્તિ ક્ષીણ થતી ચાલી છે. કદાચ ધીરે ધીરે આપણી રડવાની ક્ષમતા પણ ઓછી થઈ રહી છે. સાચમસાચ રડવાનું ઘટતું જાય છે અને બનાવટી હસવાનું વધતું જાય છે, એવો વહેમ પડે તેવી પરિસ્થિતિ છે. ઋતુઓ બદલાતી રહે છે, પરંતુ માણસ લગભગ ‘ઋતુ-બેભાન’ બનતો જાય છે.

[ ‘સંપર્ક’ સામાયિક જાન્યુઆરી-2013માંથી સાભાર.]
અડધું જીવન, અડધું મૃત્યુ - Gunvant Shah— Latest Testimonials

Choose your Style

Predefined Colors:

* You can use Unlimited Colors

Background Patterns:

* Only for Boxed Layout

Top Row Patterns:

* Only for Boxed Layout

Background Images:

  • Background Image 1
  • Background Image 2
  • Background Image 3
  • Background Image 4
  • Background Image 5
  • Background Image 6
  • Background Image 7
  • Background Image 8
* Only for Boxed Layout